તમામ ઓસ્ટ્રેલિયન્સ હવે ડોક્ટરની ફોન પર સલાહ લઇ શકશે

કેન્દ્રીય સરકારે ટેલીહેલ્થ સર્વિસ, મેન્ટલ હેલ્થ, ઘરેલું હિંસા, ચેરિટી સંસ્થાઓ માટે કુલ 1.1 બિલિયન ડોલરના પેકેજની જાહેરાત કરી. એપોઇન્ટમેન્ટ ન લઇ શકતા નાગરિકો હવે વીડિયો કોન્ફરન્સની મદદથી ડોક્ટરની સલાહ લઇ શકશે.

Telehealth will be funding boost in a $1.1 billion coronavirus package

Telehealth will be funding boost in a $1.1 billion coronavirus package Source: AAP

ઓસ્ટ્રેલિયન સરકાર દ્વારા ફાળવવામાં આવેલા 1.1 બિલિયન ડોલરના પેકેજ અંતર્ગત તમામ ઓસ્ટ્રેલિયન્સ હવે તેમના ડોક્ટર (GP) નો ફોન પર સંપર્ક કરી શકશે.

મોરિસન સરકારે દેશમાં રહેતા તમામ લોકો સુધી ટેલીહેલ્થ સર્વિસ ઉપલબ્ધ કરાવી છે. આ ઉપરાંત, ઘરેલું હિંસા, મેન્ટલ હેલ્થ સપોર્ટને પણ ફંડ ફાળવવામાં આવ્યું છે.

ઓસ્ટ્રેલિયન્સ ડોક્ટરની ફોન પર સલાહ લઇ શકશે

કોરોનાવાઇરસના કારણે મોટાભાગના ઓસ્ટ્રેલિયન્સ ડોક્ટરની મુલાકાત નથી લઇ શકતા તેથી જ ઓસ્ટ્રેલિયન સરકારે ડોક્ટરની સર્વિસ ફોન પર પણ ઉપલબ્ધ કરાવવાનું નક્કી કર્યું છે. જે અંતર્ગત 669 મિલિયન ડોલરની ફાળવણી કરવામાં આવી છે.
ડોક્ટરની એપોઇન્ટમેન્ટ ન લઇ શકતા નાગરિકો અને એકાંતવાસમાં રહેતા દર્દીઓ સાથે ડોક્ટર્સ હવે ફોન પર અથવા ફેસટાઇમ, સ્કાઇપ જેવા માધ્યમોની મદદથી વીડિયો કોન્ફરન્સ દ્વારા વાત કરી શકે છે.

આ ઉપરાંત, જે દર્દીઓ ડોક્ટરની વ્યક્તિગત મુલાકાત લેવા માંગે છે તેમને પરવાનગી આપવામાં આવશે તથા સપ્ટેમ્બર મહિના સુધી બલ્કબિલીંગ કરતા ડોક્ટર્સની પ્રોત્સાહન રકમ બે ગણી કરવામાં આવી છે.

મેન્ટલ હેલ્થ સર્વિસ, ઘરેલું હિંસા માટે ફંડ

સરકાર દ્વારા ઘરેલું હિંસા માટે કાર્ય કરી રહેલા વર્તમાન કાર્યક્રમો 1800RESPECT, Mensline Australia માં 150 મિલિયન ડોલરનું ફંડ આપવામાં આવશે.

મેન્ટલ હેલ્થ સર્વિસને પણ 74 મિલિયન ડોલરના ફંડની ફાળવણી કરશે. આ ઉપરાંત, લાઇફલાઇન અને કિડ્સ હેલ્પલાઇનને 14 મિલિયન ડોલર અપાશે.
રાહત કાર્યોમાં પોતાનો સહયોગ આપતી ચેરિટી અને કમ્યુનિટી સંસ્થાઓને પણ 200 મિલિયન ડોલર જેટલું ફંડ આપવામાં આવશે.

આરોગ્ય સેવા સાથે સંકળાયેલા કર્મચારીઓ, ઓસ્ટ્રેલિયાના સિનીયર સિટીઝન્સ, ઇન્ડીજીનીસ સમુદાય અને યુવાનો માટે પણ ફંડ આપશે.

17મી માર્ચ મંગળવાર બપોરથી, જે લોકો વિદેશથી આવ્યા હોય અથવા કોરોનાવાઇરસ ધરાવતી વ્યક્તિના સંપર્કમાં આવ્યા હોય અને તેમને લક્ષણો જણાતા હોય તેમણે 14 દિવસની અંદર પોતાનો ટેસ્ટ કરાવવો જરૂરી છે.

જો તમને તેમ લાગતું હોય કે તમને વાઇરસની અસર છે, તો તમારા ડોક્ટરને ફોન કરો, તેમની મુલાકાત ન લો અથવા નેશનલ કોરોનાવાઇરસ હેલ્થ ઇન્ફર્મેશન હોટલાઇનને 1800 020 080 પર સંપર્ક કરો.

જો તમને શ્વાસ લેવામાં અથવા મેડિકલ સહાયની જરૂર જણાય તો (000) પર ફોન કરો.


Share
Published 29 March 2020 2:10pm
Updated 29 March 2020 2:28pm
By SBS News
Presented by SBS Gujarati
Source: SBS


Share this with family and friends